• ગઈકાલે જીવિત વૃદ્ધાનું ડેથ સર્ટી બનાવાયું હતું.
  • દર્દીનાં સગાએ અંતિમવિધિ થઈ ગઈ હોવાનું જણાવતા આ નફ્ફટ સ્ટાફ સોરી કહી માફી માંગે છે

WatchGujarat. સિવિલ હોસ્પિટલનું તંત્ર હવે સુધરે તેવી કોઈ શક્યતા પણ જોવા મળતી નથી. હજુ ગઈકાલે જીવિત વૃદ્ધાનું ડેથ સર્ટી બનાવાયું હતું. ત્યારે હવે આજરોજ અંતિમ સંસ્કારનાં 24 કલાક બાદ દર્દીનાં સગાઓને મૃતદેહ લઈ જવાનો ફોન કરાયો હોવાનું સામે આવ્યું છે. અને દર્દીનાં સગાએ અંતિમવિધિ થઈ ગઈ હોવાનું જણાવતા આ નફ્ફટ સ્ટાફ સોરી કહી માફી માંગે છે. તો બીજીતરફ સિવિલ હોસ્પિટલનાં કોવિડ વોર્ડ નંબર 2ની લોબીમાં મોતનો મલાજો જાળવ્યા વિના મૃતદેહો પડ્યા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે.

જાણવા મળતી વિગતો મુજબ, મવડી નજીક રહેતા અને નિવૃત સરકારી કર્મચારી ચંદ્રકાંતભાઈ કૃષ્ણલાલ પંડ્યાનો 2 એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ કોરોન્ટાઇન થયા હતા. બાદમાં 4 એપ્રિલે ઓક્સિજન લેવલ ઘટી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અને 8 એપ્રિલે તબિયત લથડતા સવારે 5.45 વાગ્યે તેમનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ 8 એપ્રિલ એટલે કે ગઇકાલે હોસ્પિટલ દ્વારા 11 વાગ્યે મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. અને બાદમાં 80 ફૂટ રોડનાં બાપુનગર સ્મશાનમાં જ તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.

જો કે અંતિમ સંસ્કારનાં 24 કલાક બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતક ચંદ્રકાન્તભાઈનાં સગાને ફોન કરાયો હતો. અને મૃતદેહ લઈ જવાનું જણાવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. આમ છતાં પણ મૃતકનાં સગાએ તેમના અંતિમ સંસ્કાર ગઈકાલે થઈ ચુક્યા હોવાનું જણાવ્યું હતું. જેને પગલે ફોન કરનાર સિવિલ હોસ્પિટલ સ્ટાફ મેમ્બરે રેકોર્ડ ચેક કરી ભૂલથી ફોન કર્યાનું સ્વીકાર્યું હતું. સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ સાથે થયેલ દર્દીની આ વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે.

મૃતકનાં સગાની હોસ્પિટલ સ્ટાફ સાથે વાતચીતનાં મહત્વના અંશો

સ્ટાફ : ચંદ્રકાંત કૃષ્ણલાલ પંડ્યાના સગા બોલો છો ?

સગા : હા

સ્ટાફ : અંતિમવિધી માટે તમારો નંબર આવી ગયો છે તો તમે આવી શકશો અત્યારે ?

સગા : ચંદ્રકાંતભાઇની અંતિમવિધી તો કાલે થઇ ગઇ

સ્ટાફ : કાલે થઇ ગઇ છે એમ ?

સગા : જી , કેમ આવી રીતે પૂછો છો ?

સ્ટાફ : 1 જ મિનિટ હો મોટાભાઇ

સગા : જી

બાદમાં હોસ્પિટલ સ્ટાફ બાજુમાં બેસેલ વ્યક્તિને કહે છે જો તો આમાં રેકોર્ડ

બાજુમાં બેસેલ વ્યક્તિ : નામ તો બોલો

સ્ટાફ : કનફોર્મ છે ને મોટા ભાઈ ?

સગા : જી

સ્ટાફ : તમે અંતિમ વિધી કરી ચુક્યા છો ?

સગા : ચોક્કસ

સ્ટાફ : સોરી હો કહીને ફોન મૂકી દે છે.

જો કે આ ફોનને લઈને મૃતકનાં પરિવારમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેમાં તેમણે ખરેખર સ્વજનની જ અંતિમવિધિ કરી કે અન્ય કોઈની ? શું ખરેખર હજુ સ્વજનનો મૃતદેહ હોસ્પિટલમાં જ હશે ? જેને લઈને પરિવારની મહિલાઓમાં આક્રંદ મચી ગયો છે. સિવિલ હોસ્પિટલની આ ગંભીર બેદરકારીને લઈને મૃતકનો પરિવાર આજીવન કદાચ આ બંને સવાલોનો જવાબ મેળવી નહીં શકે. ત્યારે આટલી ગંભીર બેદરકારી માટે હોસ્પિટલનાં સત્તાધીશો દ્વારા જવાબદારો સામે ક્યારે અને કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

કોવિડ હોસ્પિટલની લોબીમાં બે મૃતદેહો પડ્યા હોવાનો વિડીયો વાયરલ

સિવિલ હોસ્પિટલ તંત્રની વધુ એક બેદરકારી પણ સામે આવી છે. જેમાં કોવિડ હોસ્પિટલની લોબીમાં જ બે મૃતદેહો પડ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાણવા મળતી વિગત મુજબ આ વિડીયો કોવિડ વોર્ડ નંબર 2ની લોબીનો છે. અને તેમાં મોતનો મલાજો જાળવ્યા વિના મૃતદેહો લોબીમાં કોઈ લાવરિસની માફક પડ્યા હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. જો કે આ વીડિયોમાં કેટલી સચ્ચાઈ છે તે તો તપાસનો વિષય છે. પરંતુ આવી તપાસ કે જવાબદારો સામે કોઈ કાર્યવાહી થાય તેવા એંધાણ પણ હાલ જોવા મળતા નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud