‘ડિઝની પ્લસ હૉટસ્ટાર’ આવ્યું ત્યારથી અવનવી વેબસીરિઝ અને ફિલ્મો જોવાની એક અલગ જ મજા આવે છે. પિક્સરથી શરૂ કરીને માર્વેલ સુધીની કૃતિઓ જોવા મળે છે. ‘કોકો’ પિક્ચરે ‘એકે હજારા’ કહેવત જેવો દેખાવ કર્યો છે. આમેય ડિઝનીની એનિમેટેડ કાર્ટુનવાળી ફિલ્મો માટે સિને’માં’ને ગાંડો ક્રેઝ છે. એમાંય પાછું ‘કોકો’નાં મેકર્સ દ્વારા ભૂતકાળમાં ફાઈન્ડિંગ ડોરી, ટોય સ્ટોરી, ઈનસાઈડ આઉટ જેવી ઉત્કૃષ્ટ ફિલ્મો બની ચૂકી છે.

મેક્સિકોનાં કાલ્પનિક શહેર સાન્તા-કેસિલિયામાં (શબ્દ-ઉચ્ચારણમાં ભૂલચૂક લેવી દેવી બાપલિયા!) વસવાટ ધરાવતાં બાર વર્ષીય મિગેલને નાનપણથી જ મ્યુઝિયન બનવાનો શોખ હોય છે. કોઈક રહસ્યમય કારણોસર તેનો પરિવાર તેને સંગીત સાથે નાતો બાંધવાની ના પાડતો હોય છે. મિગેલની મમ્મી તેને પરિવારનાં બુટ વેચવાનાં ખાનદાની બિઝનેસમાં જોતરી દેવા માંગતી હોય છે. મિગેલની પરદાદી કોકોનાં પપ્પા ’અર્નેસ્તો દેલા ક્રુઝ’ પોતાનાં સમયનાં સૌથી ખ્યાતનામ સંગીતકાર રહી ચૂક્યા હોય છે. જે એક દિવસ પોતાનાં ગિટાર સાથે શહેરમાંથી અચાનક જ ગાયબ થઈ ગયા હોય છે. મિગેલ અર્નેસ્તો દેલા ક્રુઝનો ખૂબ મોટો ચાહક હોય છે. ઘરમાં ચોરી-છૂપેથી બનાવેલા એક ભોંયરામાં જઈ મિગેલ દરરોજ તેમની વીડિયો ટેપ જોઈને સંગીતનો અભ્યાસ કરતો હોય છે. એક દિવસ અર્નેસ્તો દેલા ક્રુઝની કબરમાં રહેલા ગિટારની ધૂન વગાડતાંની સાથે જ મિગેલ મૃત્યુલોકમાં પહોંચી જાય છે. જ્યાં તે અલગ-અલગ પ્રકારની સાહસયાત્રા ખેડે છે.

એક વસ્તુ તો કે’વી પડશે બાપા! પિક્ચર જોતાં-જોતાં અમને એટલી મજા પડી છે, જેનું વર્ણન શબ્દોમાં તો શક્ય જ નથી. ખાસ કરીને ક્લાયમેક્સની પંદર મિનિટ. આહાહા… અદભુત! ઈમોશનલ ફિલ્મો બનાવી પ્રેક્ષકોનાં આંસુ સારવાનો ઈજારો ફક્ત બોલિવુડ પાસે જ છે એવો ભ્રમ ગઈકાલે તૂટ્યો. અફલાતુન સંગીત. યુનિક સ્ટોરી. બ્યુટિફુલ ડિરેક્શન. વન્ડરફુલ એનિમેશન. ૨૦૧૪ની સાલમાં આવેલી ‘ધ બુક ઓફ લાઈફ’ યાદ છે? કંઈક અંશે સરખી કથાવસ્તુ ધરાવતી ‘કોકો’ તેનાં કરતા ઘણી-બધી બાબતે અલગ પડે છે. પણ તમે જો ‘ધ બુક ઓફ લાઈફ’ જોઈ હશે તો ચાલુ પિક્ચરે બંને ફિલ્મોની સરખામણી કર્યા વગર રહી નહી શકો! એ જે હોય તે, એક બાબતે સિને’માં’નો મંતવ્ય આજે સ્પષ્ટ છે—કોકો ઈઝ અ મસ્ટવોચ ફિલ્મ ફોર યુ એન્ડ યોર ફેમિલી.

ક્લાયમેક્સ : ‘ડિઝની પ્લસ હૉટસ્ટાર’ પર આગામી એપ્રિલ મહિનામાં રીલિઝ થવા જઈ રહેલી ‘લૉકી’ મૂળે માર્વેલ સિનેમેટિક યુનિવર્સ (એમ.સી.યુ.)ની પેટા-સીરિઝ છે. મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ ડિઝની પહેલીવહેલી વખત આટલી મોટી વેબસીરિઝ અંગ્રેજી, હિન્દી સહિત ભારતની ઘણી ભાષાઓમાં રીલિઝ કરવા જઈ રહ્યું છે..

કેમ જોવી? : ડિઝનીની એનિમેશન ફિલ્મોનાં ચાહક હો તો આ સવાલ આજે સાવ અસ્થાને છે!

કેમ ન જોવી? : અમુક દર્શકો માટે આ ફિલ્મ, પહેલાની એનિમેટેડ ફિલ્મોનું મિશ્રણ કમ પુનરાવર્તન લાગવાની શક્યતા છે માટે!

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud